ચર્ચિલે સફળતાની સરસ વ્યાખ્યા આપી છે: નિષ્ફળતાઓનો સરવાળો એટલે સફળતા. બાળક જો પહેલીવાર પડતાંની સાથે ચાલવાનું છોડી દે તો ક્યારેય ચાલી ન શકે. કોઇ એવી સફળ વ્યક્તિ નથી જેણે જીવનમાં ક્યારેય નિષ્ફળતાનો સામનો ન કર્યો હોય. નિષ્ફળતાને જે પચાવી શકે છે તે આગળ વધે છે અને વધતા રહે છે. જાપાનની મેનેજમેન્ટ પદ્ધતિમાં ‘કાઇઝેન’ સિદ્ધાંતનો અર્થ છે- સુધારો કરતા રહેવું. આગળ વધવા માગતી
દરેક વ્યક્તિને આ સિદ્ધાંત લાગુ પડે છે. જે શિખર પર બેઠા છે તેમણે પણ ત્યાં ટકી રહેવા માટે સતત સુધારો કરતા રહેવું પડે છે.
મને નિષ્ફળતાનો પ્રથમ અહેસાસ મેટ્રિકની પરીક્ષામાં થયો હતો. કલકત્તાની સ્કૂલમાં હું ગણિત અને ઈતિહાસમાં ફેલ થયો હતો. તે વર્ષનું પેપર અઘરું જરૂર હતું પણ ફેલ થઇશ તેવો કોઇ જ અંદાજ નહોતો. તે દિવસે દરેકની આંખોમાં મને મારી નિષ્ફળતા દેખાઇ હતી. કોઇ પરીક્ષામાં
ફેલ થનારો હું પરિવારમાં પહેલો હતો. હું પરીક્ષામાં ભલે ફેલ થયો હતો પણ મારું ઇતર વાંચન વિપુલ માત્રામાં હતું. હું માનું છું કે પરીક્ષામાં ફેલ થનાર દરેક વિદ્યાર્થીનું બૌદ્ધિક સ્તર નીચું હોય તે જરૂરી નથી.
પાઠ્ય પુસ્તકોના વિષયમાં રસ ન હોય કે પૂરતું ધ્યાન ન અપાયું હોય તો પણ ફેલ થઇ જવાય છે. પરીક્ષામાં ફેલ થનારે હતાશ થયા વિના આત્મચિંતન કરવાની જરૂર છે. જો આગળ વધવાનો દ્રઢ
સંકલ્પ હશે તો નિષ્ફળતા રુકાવટ નહીં બની શકે. બીજા વર્ષે મેટ્રિકમાં પાસ થયો અને આર્ટ્સ લેવાની ઇચ્છા હોવા છતાં બધાના આગ્રહથી કોમર્સ લીધું કારણ કે એમાં નોકરીની તકો વધારે હતી.
બી.કોમ.માં માંડ માંડ પાસ થયો. કોલેજમાં એક દિવસ એક મિત્ર પાસે મેં આઇએએસના જનરલ નોલેજનું પ્રશ્નપત્ર જોયું, જેમાંના ઘણાખરા પ્રશ્નોના જવાબ મને આવડતા હતા. મેં નક્કી કરી લીધું કે આઇએએસની પરીક્ષા આપવી
છે. પરિચિતોને આ એક તરંગી વિચાર લાગ્યો હતો પણ મેં ભૂતકાળને ભૂલી ભવિષ્ય તરફ મીટ માંડી હતી.
કોમર્સની ડિગ્રી હોવા છતાંય આઇએએસની પરીક્ષા માટે મેં આર્ટ્સના વિષયો પસંદ કર્યા હતા, જેમાં બે ઈતિહાસના હતા. આઠ મહિના કમર કસીને મહેનત કરી. સવારથી સાંજ સુધી લાઇબ્રેરીમાં પુસ્તકો વાંચી નોટ્સ ઉતારી. આ સંશોધન વૃત્તિના આધારે છેલ્લાં પચીસ વર્ષથી ઈતિહાસલક્ષી સાપ્તાહિક કોલમ ‘નવી નજરે’
લખી રહ્યો છું. આઇએએસની લેખિત પરીક્ષામાં પાસ થયો. ઇન્ટરવ્યૂમાં એટલા માટે સફળ ન થયો કારણ કે મેં માત્ર ફોરેન સર્વિસમાં જોડાવાની ઇચ્છા વ્યક્ત કરી હતી.
માર્ગદર્શનનો અભાવ અને મારી ભૂલ નિષ્ફળતાનું કારણ બની. ફરી સલાહ સૂચનો મળવા લાગ્યાં કે આઇએએસનો મોહ છોડી કોઇ સામાન્ય નોકરી લઇ લે. ઉંમર પ્રમાણે આ પરીક્ષા માટે હવે છેલ્લી તક બાકી હતી. એ ગુમાવ્યાનો વસવસો ન રહી જાય માટે મેં ફરી
પરીક્ષા આપી. ફરી લેખિતમાં પાસ થયો. આ વખતે જૂની ભૂલ ન દોહરાવી કોઇ પણ સર્વિસ લેવાની તૈયારી બતાવી.
આઇઆરએસ (કસ્ટમ્સ અને એક્સાઇઝ)માં પસંદગી થઇ અને જેમણે મારા પ્રયાસોને શંકા તથા વિસ્મયથી જોયેલા, તેમની નજરોમાં હું એકાએક બુદ્ધિશાળી બની ગયો. લોકોનો અભિપ્રાય કેટલો જલદી બદલાઇ જાય છે, તેનો આ પ્રત્યક્ષ અનુભવ હતો. નિષ્ફળતા અને ભૂલો દરેક કાર્યશીલ વ્યક્તિના જીવનનું અંગ છે તે સત્ય
સમજાઇ જાય તો આગળ વધવામાં સરળતા રહે છે. ૩૭ વર્ષની સરકારી નોકરીમાં આ અભિગમ અપનાવી કસ્ટમ્સ, એક્સાઇઝ અને સર્વિસ ટેક્સ વિભાગમાં ટોચના હોદ્દાઓ પર કામ કર્યું છે.
દરેક નિષ્ફળતા કે ભૂલમાંથી કંઇક શીખીને આગળ વધ્યો છું. જીવનનો ગ્રાફ હંમેશાં ઉપર જતો નથી પણ અમુક પળો એવી જરૂર આવે છે જે તમને સંતોષ આપી જાય. મારી કારકિર્દીમાં એવો એક પ્રસંગ હતો- ઉત્કૃષ્ટ કામગીરી માટે મળેલો
રાષ્ટ્રપતિ એવોર્ડ. આ સર્વિસમાં ઉચ્ચ હોદ્દા પર રહી આ એવોર્ડ મેળવનાર હું એકમાત્ર ગુજરાતી હતો, જેનો મને ખાસ ગર્વ અને આનંદ છે.
કોઇ પણ નોકરીમાં નિવૃત્તિ એક અનિવાર્ય ઘટના છે છતાંય અમુક લોકો નિવૃત્ત જીવનમાં ખાલીપો અનુભવે છે અને શું કરવું તે સૂઝતું નથી. આ સ્થિતિ માટે પૂર્વ યોજનાની જરૂર છે. નિવૃત્ત જીવનનું મારું આ સાતમું વર્ષ છે અને આજે પણ એટલો પ્રવૃત્તિમય રહી શક્યો છું કે
સમયનો અભાવ વર્તાય છે. નિવૃત્તિનો અર્થ પ્રવૃત્તિનો અંત નથી પણ એની દિશા જરૂર બદલાઇ જાય છે. ભલે કાર્યક્ષેત્ર બદલાયું છે પણ આગળ વધવાની ઇચ્છા હજી કાયમ છે. આ તમન્ના માણસને જીવંત રાખે છે.
પ્રવૃત્તિમય વ્યક્તિની નજર ભવિષ્ય તરફ હોય છે અને એ પોઝિટિવ રહે છે. વૃદ્ધાવસ્થામાં ચચિgલને કોઇએ ચિંતા વિશે પૂછ્યું ત્યારે એણે કહેલું કે હું એટલો વ્યસ્ત રહું છું કે ચિંતા કરવાનો સમય નથી.
જીવનના અંત સુધી જો પ્રવૃત્તિમય રહી શકાય તો મારી દ્રષ્ટિએ એ શ્રેષ્ઠ જીવન છે
ખુબ જ સરસ અને ઉપ્યોગિ લેખ મુક્વ બદલ આપ્નો આભાર
ReplyDeletediplomaguru.in